આનંદો!!! દેશનાં અનેક જિલ્લામાં કોવિડ-19નો એકપણ કેસ નથી
દેશમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દેશનાં અનેક જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોવિડ-19નો કોઈ કેસ સામે આવ્યો નથી. અનેક જિલ્લા તો એવા છે જ્યાં લગભગ મહિનાથી કોરોનાનો કોઈ દર્દી મળ્યો નથી. દેશમાં કોરોના મહામારીને ફેલાતા રોકવા માટે 3 મે સુધી લોકડાઉન છે. આવામાં કોરોનાની વિરુદ્ધ સારા સમાચારે લોકોની ચિંતાને હળવી કરી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું છેકે દેશનાં 80 જિલ્લાઓમાં છેલ્લા 7 દિવસથી એકપણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. એટલું જ નહીં દેશનાં 47 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 14 દિવસમાં એકપણ કોવિડ-19નો કેસ સામે આવ્યો નથી. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે દેશનાં 39 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 21 દિવસથી એકપણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.
હર્ષવર્ધને જણાવ્યું કે દેશમાં 17 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 28 દિવસથી કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. દેશમાં કોરોનાનાં કારણે અત્યાર સુધી 900થી વધારે લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, દિલ્હી અને ગુજરાતમાં લોકડાઉન બાદ પણ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દિલ્હીનાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, રાજધાનીમાં કોરોનાનાં 3,108 કેસ સામે આવ્યા છે. સોમવારનાં નવા 190 કેસ સામે આવ્યા છે. કોવિડ-19થી પીડિત 877 લોકો ઠીક થઈ ગયા છે, જ્યારે 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે. દિલ્હીમાં દર્દીઓની સંખ્યામાં ડબલિંગનો રેટ 13 દિવસ થઈ ગયો છે.