દિલ્હી રમખાણો પર અમીત શાહે ગણાવ્યું સુનિયોજીત ષડયંત્ર, કોઇને છોડવામાં નહીં આવે
દિલ્હી રમખાણો પર બુધવારનાં લોકસભામાં થયેલી ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહે એક-એક પ્રશ્નનો જવાબ આપ્યો છે. તેમણે બેધડક કહ્યું કે દોષી ભલે કોઈપણ સમુદાય કે કોઈપણ પાર્ટીનો હોય, તેમને માફ કરવામાં નહીં આવે. શાહનાં ભાષણ દરમિયાન કૉંગ્રેસે વૉક આઉટ કર્યું. ગૃહમંત્રીએ દિલ્હી રમખાણોને સુનિયોજિત ષડયંત્ર ગણાવતા વિરોધ પક્ષનાં નેતાઓનાં ભડકાઉ ભાષણોનો ઉલ્લેખ કર્યો.
અમીત શાહે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની રામલીલા મેદાનની રેલીમાં ‘રસ્તા પર ઉતરો, આરપારની લડાઈ’ વાળા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, તો વારિસ પઠાણનાં ‘100 કરોડ પર 15 કરોડ ભારે’ જેવા ભડકાઉ ભાષણની ટીકા કરી. ગૃહમંત્રી અમિત શાહે તોફાનોને દિલ્હીનાં બીજા ભાગોમાં ફેલાવા ના દેવા પર અને 36 કલાકની અંદર સ્થિતિ નિયંત્રિત કરવા પર દિલ્હી પોલીસની પીઠ થપથપાવી છે.
શાહે કહ્યું કે, “દિલ્હી પોલીસ શું કરી રહી હતી તે પુછવામાં આવી રહ્યું છે. વિરોધ પક્ષને અધિકાર છે કે તે સરકારની ટીકા કરે, પરંતુ વાત રમખાણોની હોય, જ્યારે પોલીસ હિંસાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી હોય ત્યારે વાસ્તવિકતા સમજવી જોઇએ. દિલ્હીની વસ્તી 1.7 કરોડ છે. જ્યાં રમખાણો થયા ત્યાંની વસ્તી 20 લાખ છે. હું આ માટે દિલ્હી પોલીસને શાબાશી આપવા ઇચ્છુ છું કે 20 લાખ લોકોની વચ્ચે થઈ રહેલા રમખાણોને દિલ્હીનાં બીજા ભાગમાં ફેલાવા ના દીધા. દિલ્હીનાં 4 ટકા વિસ્તાર અને 13 ટકા વસ્તી સુધી દિલ્હી પોલીસે તોફાનો સીમિત રાખ્યા.”