પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓના વાલીઓ માટે સારા સમાચાર
કોરોનાના કહેર વચ્ચે દેશભરના વિદ્યાર્થીઓ અને પેરેન્ટસ માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રી માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે દેશની તમામ ખાનગી સ્કૂલોને અપીલ કરી છે કે તેઓ લોકડાઉન દરમ્યાન વાર્ષિક સ્કૂલ ફી વધારો અને ત્રણ મહિનાની ફી એક સાથે લેવાના નિર્ણય પર પુન:ર્વિચાર કરે.
પોખરિયાલે ટ્વીટ કરીને કહ્યું કે દેશભરમાંથી કેટલાંય પેરેન્ટસ મારી પાસે ફરિયાદ લઇને આવ્યા છે કે આ સંકટના સમયમાં પણ કેટલીય સ્કૂલ પોતાની વાર્ષિક ફીમાં વધારો કરી રહ્યા છે અને ત્રણ મહિનાની ફી એક સાથે લઇ રહ્યા છે.
બીજીબાજુ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ શુક્રવારના રોજ કહ્યું કે કોરોના વાયરસના લીધે શિક્ષણ અને અર્થતંત્ર સૌથી વધુ પ્રભાવિત થઇ રહ્યા છે. મને અને સરકારને કેટલીય જગ્યાએથી ફરિયાદ મળી છે કે કેટલીક સ્કૂલ ફી વધારી રહી છે. આ લોકો સરકારની મંજૂરી વગર ફી વધારી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આદેશ આપ્યો છે કે દિલ્હીની ખાનગી સ્કૂલ મંજૂરી વગર ફી વધારશે નહીં.