ભારત બંધની અસર: આ વિસ્તારમાં હિંસાથી વેપાર- વ્યવહાર ઠપ્પ

બુધવારે 10 જેટલાં ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને પગલે કેટલાંક રાજ્યોમાં સજ્જડ તો ક્યાંક મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો હતો. બેન્કિંગ, કોલસા, ક્રૂડ, ડિફેન્સ, પબ્લિક સેક્ટર, ટ્રાન્સપોર્ટ સહિતના ક્ષેત્રોના ટ્રેડ યુનિયન્સ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓ 16 જેટલી પડતર માગણીઓ મુદ્દે બંધમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર, કર્ણાટક, કાશ્મીર, ઓડિશા, પંજાબ સહિતના મોટાભાગનાં રાજ્યોમાં લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા. 

પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની હતી. ક્યાંક બસોમાં તોડફોડ કરવામાં આવી હતી તો ક્યાંક રેલવે વ્યવહાર અટકાવવામાં આવ્યો હતો. હાવડાથી જ વિવિધ સ્થળે જતી ૪૨ ટ્રેનોને અસર થઈ હતી. આ ઉપરાંત બિહાર, પંજાબ, આંધ્ર અને અન્ય સ્થળે લોકો રેલવે ટ્રેક ઉપર વિરોધ કરવા ઊતરી આવતાં અનેક ટ્રેનો મોડી પડી હતી. ૨૫ કરોડથી વધુ લોકો હડતાલમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારત બંધને પગલે બેન્કિંગ, ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ સહિતની સેવાઓ ખોટકાઈ હતી. બેન્કો બંધ રહેતાં કરોડોના વ્યવહારો અટકી પડયા હતા.

પશ્ચિમ બંગાળમાં દેખાવકારોએ રેલવે ટ્રેક ઉપર ધરણાં કરીને રેલ વ્યવહાર ખોરવી કાઢયો હતો. ઉત્તરી ૨૪ પરગણાના કંચરાપારમાં લોકોએ રેલવે ટ્રેક બ્લોક કરી દીધા હતા. આ ઉપરાંત દેશના અન્ય કેટલાંક રાજ્યોમાં પણ વિરોધીઓ દ્વારા રેલવે ટ્રેક ઉપર જ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કૂચ બિહારમાં તોફાનીઓ દ્વારા વિવિધ બસોને અટકાવીને મોટાપાયે તોડફોડ કરવામાં આવી હતી. ટ્રેડ યુનિયનોની હડતાળને 249 ખેડૂત સંગઠનો અને 80 વિદ્યાર્થી સંગઠનોએ પણ બંધને સમર્થન આપ્યું હતું. ગામડામાં દૂધ, શાકભાજી-ફળો અને અન્ય વસ્તુઓના પુરવઠાને અસર પહોંચી હતી. યુપીમાં જેઈઈ મેન્સ 202 અને યુપી ટીઈટી 2019 તથા આઈસીએઆર નેટ 2020ની એન્ટ્રન્સ ટેસ્ટને અસર થઈ હતી.

Find Out More:

Related Articles: