એ.આર.રહેમાને જમાતમાં ધાર્મિક જલસાને લઈ લખી ભાવુક પોસ્ટ
દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં આવેલી મરકજમાં આયોજિત તબ્લીગી જમાતમાં ધાર્મિક જલસાને લઈ દેશભરમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. જેમાં લગભગ 2000 લોકો સાથે રહી રહ્યા હતા. હવે આ જ અરસામાં સિંગર એ.આર. રહેમાન પણ આગળ આવ્યો અને લાલચોળ થઈ બે શબ્દો કહ્યા છે. સિંગરે કહ્યું કે, આ મેસેજ એ બધા ડોક્ટરો, નર્સો અને એ કર્મચારીઓને ધન્યવાદ કહેવા માટે છે કે જે આખા દેશમાં હોસ્પિટલ અને ક્લિનિકમાં દિલ દઈ જાન દાન પર લગાવીને કામ કરે છે. આપણી જિંદગી બચાવવા માટે એ લોકો તેની જિંદગી સાખે ખિલવાડ કરી રહ્યા છે.
રહેમાને આગળ લખ્યું કે, આ સમય એકબીજાના મતભેદો ભૂલીને અદૃશ્ય દેખાતા દુશ્મનો સામે લડવાનો છે, કે જેણે આખી દુનિયા સામે તબાહી મચાવી દીધી છે. આ એ સમય છે કે જ્યારે માનવતા અને આધ્યાત્મિકતા પર આપણે અમલ કરવો જોઈએ. આ સમયે આપણે આપણા પડોશી, વરિષ્ઠો, ગરીબો અને પ્રવાસી શ્રમિકોની મદદ કરવી જોઈએ.
આગળ વાત કરતાં જણાવ્યું કે, ઈશ્વર તમારા હૃદયમાં છે. માટે ધાર્મિક સ્થળોએ એકઠા થઈને આરાજકતા ફેલાવવાનો આ સમય નથી. સરકારની સલાહ માનો. કેટલાક અઠવાડિયાનું આઈસોલેશન તમને જિંદગીના કેટલાક વર્ષો આપી શકે છે. વાયરસને ફેલાવો નહીં અને પોતાના જ સાથીઓનું નુકસાન ન પહોંચાડો. આ સમય અફવાઓ ફેલાવવાનો અને ચિંતા વધારવાનો નથી. આવો દયાવાન અને વિચારશીલ બનીએ. લાખો લોકોની જિંદગી આપણા હાથમાં છે.