લો બોલો!!! કોરોનાવાઈરસ નામ પરથી ફિલ્મ બનશે, પ્રોડ્યુસરે નામ માટે કરી અરજી
કોરોનાના હાહકાર વચ્ચે બોલિવૂડના કેટલાંક ફિલ્મમેકર્સે થોડો પણ સમય બગાડ્યા વગર કોરોનાવાઈરસને લઈ ફિલ્મના નામ રજિસ્ટર્ડ કરાવ્યા છે. સૂત્રોના મતે, ઈરોઝ ઈન્ટરનેશનલે ‘કોરોના પ્યાર હૈં’ નામનું ટાઈટલ રજિસ્ટર્ડ કરાવ્યું હોવાની ચર્ચા છે.
જોકે, ઈરોઝ ઈન્ટરનેશનલના કૃષિકા લુલાએ આ વાતનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની ફિલ્મનું ટાઈટલ ‘કહોના પ્યાર હૈં’ છે. તેમણે હજી ટાઈટલ માટે અપ્લાય કર્યું છે. રાઈટ મળવાના બાકી છે. આર્ટિકલને સનસનીભર્યો બનાવવા માટે ફિલ્મનું ટાઈટલ ‘કોરોના પ્યાર હૈં’ કરી દેવાયું. વિશ્વ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને તે આ ટોપિક પર ફિલ્મ ક્યારેય બનાવી શકે નહીં.
ઈરોઝે ભલે કોરોનાને લઈ કોઈ ફિલ્મ ટાઈટલ રજિસ્ટર ના કરાવ્યું હોય. જોકે, ઈમ્પા (ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિયેશન)ના અધિકારીઓએ કહ્યું હતું કે ‘ડેડલી કોરોના’ નામથી ફિલ્મનું ટાઈટલ રજિસ્ટર કરાવવામાં આવ્યું છે. આનંદ એલ રાયની કંપની કલર યલોએ પણ કોરોનાને લઈ એક ટાઈટલ માટે અરજી કરી છે.
પ્રોડ્યૂસર્સ તથા ફિલ્મમેકર્સના આ પગલાંનો અન્ય ફિલ્મમેકર્સે વિરોધ કર્યો છે. નિતિન ચંદ્રાએ કહ્યું હતું કે આ તો વર્ષોથી ચાલી આવે છે. લોકો મુશ્કેલીમાં હોય તો આ તકનો લાભ ઉઠાવવા માટે અન્ય લોકો તત્પર હોય છે. યુદ્ધ શરૂ થાય તો ટાઈટલ આવવા લાગે છે. જેવી રીતે ગયા વર્ષે પુલવામા હુમલો થયો ત્યારે પણ ફિલ્મમેકર્સે આ નામથી ટાઈટલ રજિસ્ટર કરાવ્યા હતાં.