ફેસબુકે Jioનો 9.99 ટકા હિસ્સો ખરીદ્યો, હવે આ છે રિલાયન્સનો પ્લાન
વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકે Jioનો 9.99 ટકા હિસ્સો ખરીદી લીધો છે. Reliance Industriesની માલિકીના Jioમાં ફેસબુકે 43,574 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે, રિલાયન્સ તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરી માહિતી આપવામાં આવી છે. આ મોટી ડીલ પછી ફેસબુક હવે જિયોનું સૌથી મોટું શેરહોલ્ડર બની ગયુ છે.
ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં થયેલું આ સૌથી મોટું રોકાણ માનવામાં આવી રહ્યું છે. જેની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ અને ફેસબુક દ્વારા જાહેરાત કરાઈ છે. આ ડિલમાં જિયો પ્લેટફોર્મ્સની વેલ્યૂ 4.62 લાખ કરોડ આંકવામાં આવી હતી, અને ફેસબુકે જેટલું રોકાણ કર્યાનું જાહેર કર્યું છે તેમાં જિયોનો 9.99 ટકા હિસ્સો તેને પ્રાપ્ત થશે. જોકે, જિયો રિલાયન્સની જ માલિકનું રહેશે.
ટેલીકોમ ક્ષેત્રે એન્ટ્રી કર્યા બાદ જિયો હવે ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ પણ તૈયાર કરી રહ્યું છે. દેશના 60 મિલિયન સ્મોલ બિઝનેસને તે એક પ્લેટફોર્મ પર લાવવા માગે છે. JioMartને વ્હોટ્સએપ સાથે સાંકળી લઈને નાના વેપારીઓને સીધા ગ્રાહક સાથે કનેક્ટ કરવાનો રિલાયન્સનો પ્લાન છે, અને તેના પર તે ઘણા સમયથી કામ કરી રહ્યુ છે.
મુકેશ અંબાણીએ આ ડીલ વિશે જણાવ્યું હતું કે, કોરોના બાદ ભારતીય અર્થતંત્ર ટૂંક સમયમાં જ રિકરવરી દર્શાવશે. અમારી આ ભાગીદારી ચોક્કસ તેમાં પ્રદાન આપશે. જ્યારે ફેસબુકે આ ડીલ અંગે જણાવ્યું હતું કે કંપની ભારતને લઈને કેટલી ઉત્સાહી છે તે આ ડીલ દર્શાવે છે. ફેસબુક માટે ભારત 328 મિલિયન મંથલી યુઝર્સ સાથેનું સૌથી મોટું માર્કેટ છે, અને વ્હોટ્સએપના પણ ભારતમાં 400 મિલિયન યુઝર્સ છે.