કાશ્મીરનો મૉસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર રિયાઝ નાયકૂનું એન્કાઉન્ટર
કાશ્મીરનો મૉસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર રિયાઝ નાયકૂ પુલવામામાં સુરક્ષાદળોની સાથે થયેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આતંકવાદી રિયાઝ નાયકૂ A++ કેટેગરીનો આતંકવાદી હતો. લાંબા સમયથી સેના તેની શોધમાં હતી. રિયાઝ નાયકૂ ઘણો જ ચાલાક આતંકવાદી હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે પોતાના ઘરે આવવા-જવા માટે સુરંગો બનાવી હતી. આ વાતની જાણ ગણ્યા-ગાંઠ્યા લોકોને હતી કારણ કે તે કોઈના પર ભરોસો નહોતો કરતો. સેનાએ એ ઘર વિસ્ફોટકથી ઉડાવી દીધું અને જે સુરંગ તેણે જીવ બચાવવા માટે ખોદી હતી તે જ તેની કબર બની ગઈ.
રિયાઝનાં માર્યા ગયા બાદ પણ સેના સંપૂર્ણ ખાતરી કરવા ઇચ્છતી હતી, આ કારણે 5 કલાક તેની ઓળખ કરવા માટે લગાવવામાં આવ્યા. સૌથી પહેલા તેના શરીરનાં નિશાનને જોવામાં આવ્યા, ત્યારબાદ પોલીસે, પછી સીઆરપીએફે, પછી સેનાએ, ત્યારબાદ આઈબી અને અંતમાં સ્થાનિક લોકો પાસે તેની ઓળખ કરાવવામાં આવી. ત્યારબાદ રિયાઝનાં માર્યા ગયાની સૂચના બહાર આવી.
સેનાએ મકાનને મંગળવારનાં જ ઘેરી લીધું હતુ, પરંતુ કોઈ ફાયરિંગ નહોતુ થયું. સેનાને તેના ભાગી જવાનો શક થયો. કેટલાક ઇન્ટેલિજન્સનાં લોકોએ તેના મકાનમાં બનેલી સુરંગોનાં રસ્તે તે ભાગ્યો હોવાની વાત કહી તો સેનાએ જેસીબી મંગાવી. વિસ્તારની આસપાસનાં ખેતરો અને રેલવે ટ્રેકને જેસીબીથી ખોદવામાં આવ્યા. અહીં જમીનની અંદર સુરંગો શોધવામાં આવી. મોડી રાત્રે સેનાએ સર્ચ ઑપરેશન રોકી દીધું, પરંતુ વિસ્તારમાંથી ઘેરાબંધી હટાવી નહીં. જ્યારે નાયકૂને અહેસાસ થયો કે તે બચીને નહીં ભાગી શકે તો તેણે સવારે નવ વાગ્યે ફાયરિંગ શરુ કરી દીધી.