લોકડાઉનમાં ફસાયેલા મજૂરો-વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે કર્યો મોટો નિર્ણય
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે અલગ અલગ જગ્યાઓ પર ફસાયેલા પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓ વગેરેને આવન-જાવન માટે પરવાનગી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પોતાના ત્યાં ફસાયેલા લોકોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવા અને બીજી જગ્યાઓ પર પોત-પોતાના નાગરિકોને લાવવા માટે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ ફોલો કરે. એટલે કે હવે દરેક પ્રદેશ બીજા પ્રદેશોમાંથી પોતાના નાગરિકોને પાછા લાવી શકશે અને પોતાના ત્યાં ફસાયેલા નાગરિકોને તેમના ત્યાં મોકલી શકશે.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ઑર્ડરમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ આ કામ માટે નોડલ ઑથોરિટીની નિમણુંક કરશે અને પછી આ ઑથોરિટી પોત-પોતાના ત્યાં ફસાયેલા લોકોનું રજિસ્ટ્રેશન કરશે. જે રાજ્યોની વચ્ચે લોકોનું આવન-જાવન થવાનું છે ત્યાંની ઑથોરિટી એક-બીજાને સંપર્ક કરીને રોડ મારફતે લોકોનાં આવન-જાવનની ખાતરી કરશે. જે લોકો જવા ઇચ્છે છે તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. બસોને સેનિટાઇઝ કર્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમ પ્રમાણે જ લોકોને બેસાડવામાં આવશે.
આવા લોકોએ આરોગ્ય સેતુનો ઉપયોગ કરવાનો રહેશે જેથી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી શકાય. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જો કે લોકડાઉનનાં કારણે વાહનવ્યવહાર બંધ થવાના કારણે અનેક પ્રવાસી મજૂરો, તીર્થયાત્રી, પર્યટક અને વિદ્યાર્થી એક જ સ્થાન પર ફસાયેલા છે.