ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે માત્ર 6 દિવસમાં બનાવાઈ આટલા બેડની હોસ્પિટલ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હાલ ગુજરાતમાં કોરોના પોઝિટિવનાં 47 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 3 વ્યક્તિઓનાં મોત પણ નિપજી ચૂક્યા છે. તેવામાં આગામી સમયમાં આ આંકડો વધશે તેવી સંભાવના છે. અને તેને જોતાં જ ગુજરાત સરકાર દ્વારા ચાર મહાનગરોમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ગુજરાતે માત્ર છ દિવસમાં 2200 બેડની હોસ્પિટલ બનાવી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. જેમાં અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલ, સુરતમાં 500, વડોદરામાં 250 અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના કાળો કહેર ન મચાવે તે માટે સરકારે અગાઉથી જ સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવાનું એલાન કરી દેવામાં આવ્યું હતું. અને 21 માર્ચે ગુજરાતના ચાર શહેરોમાં ફક્ત કોરોનાનાં દર્દીઓ માટે જ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે રૂપાણી સરકારે મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારને વિશેષ જવાબદારી સોંપી હતી. સરકારના એલાનનાં ફક્ત 6 દિવસમાં જ ગુજરાતમાં ચાર જગ્યાઓએ 2200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરી દેવાઈ છે.
આ હોસ્પિટલ જલ્દીથી જલ્દી કાર્યરત થઇ જાય તે માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી.