લો પ્રેશરની સ્થિતિ સર્જાતા 5-6 માર્ચે આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસે ગરમી અને રાતે ઠંડી લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 5 માર્ચના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બનાસકાંઠા અને વલસાડમાં કમોસમી વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, લો-પ્રેશરની સ્થિતિ સર્જાતા 5મી માર્ચના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે, 5મી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે બીજા દિવસે 6 માર્ચના રોજ પણ આ વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી તાપમાન ઉચકાતા ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરના સમયે લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. રાત્રે સુતા વખતે લોકોએ પંખા ચાલુ રાખવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે દેશના કોરહિટ વેવ ઝોન એટલે કે, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગણા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, આંધ્રપ્રદેશમાં મહત્તમ તાપમાન વધવાની સંભાવના 43% આંકવામાં આવી છે. આ તમામ રાજ્યોમાં સામાન્ય કરતા વધુ લૂ લાગશે.