ભારત-અમેરિકાની સંરક્ષણ ભાગીદારી સંબંધોને વેગ મળશે, ટ્રમ્પની મુલાકાત કેટલી ફળશે?
ભારત-અમેરિકા વચ્ચેના વ્યાપક સંબંધો દરમિયાન ખર્ચાળ સંરક્ષણ સહયોગ સોદા થતા રહ્યા છે અને થતા રહેશે. આ સહયોગને કારણે જ વીતેલા વર્ષોમાં અમેરિકા ભારત તરફથી વિમાન, હેલિકોપ્ટર્સ અને હોવિત્ઝર તોપ સહિત ૨૦ અબજ ડોલરના ખરીદ સોદા મેળવી ચૂક્યું છે. આમ કરીને અમેરિકાએ ભારત સાથે સંરક્ષણ સોદામાં પરંપરાગત સપ્લાયર રશિયાને પણ પાછળ રાખી દીધું છે. ભારત-અમેરિકા વચ્ચે ૭ અબજ ડોલરના સોદા હજી પાઇપલાઇનમાં છે.
ભારત-પ્રશાંત સાગરમાં ચીનના આક્રમક વિસ્તારવાદને કારણે બંને દેશોમાં પ્રવર્તી રહેલી ચિંતાને કારણે બંને દેશો વચ્ચે વધી રહેલા વ્યૂહાત્મક સંબંધોના ભાગરૂપે આ સોદા થયેલા છે. બંને દેશોના સશસ્ત્રદળો વચ્ચેની સંયુકત કવાયતથી બંને સૈન્યો વચ્ચે ઇન્ટરઓપરેટિબિલિટીમાં વધારો કરવાથી માંડીને હિન્દ મહાસાગર પ્રદેશ અંગેની ગોપનીય માહિતીના આદાનપ્રદાનની મદદથી બંને દેશો વચ્ચેના સુરક્ષા સહયોગમાં વધારો થયો છે.
બંને દેશો સુરક્ષા મારચે જે રીતે સહયોગ વધારી રહ્યા છે તેને જોઇને શંકા સેવનારાઓ પણ ચોંકી ગયા છે. પરંતુ આ સંબંધોને સાચવવા આસાન નથી. ઓક્ટોબર ૨૦૧૮માં ભારતે એસ-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ માટે ૫.૪૩ અબજ ડોલરમાં રશિયા સાથે કરેલા સોદા અને માર્ચ ૨૦૧૯માં પરમાણુ સંચાલિત સબમરિન અકુલા- ૧ લીઝ પર મેળવવા રશિયા સાથે ૩ અબજ ડોલરમાં થયેલા સોદાથી અમેરિકા નારાજ છે.
ડીટીટીઆઇને વેગ મળે તેવા સંકેત વર્ષ ૨૦૧૨માં ભારત અને અમેરિકાએ સંયુક્ત પણે અતિ આધુનિક સૈન્ય ટેકનોલોજી વિકસાવવા ડિફેન્સ ટેકનોલોજી અને ટ્રેડ ઇનિશિયેટિવ (ડીટીટીઆઇ) જેવી પહેલ કરી હોવા છતાં તે દિશામાં બંને દેશો આગળ વધવામાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ બંને દેશના અધિકારીઓ આશા સેવી રહ્યા છે કે ડીટીટીઆઇને હવે વેગ મળશે.