કોરોનાનો કહેર: ચીનના હુબેઇમાં એક દિવસમાં કોરોનાએ 248નો લીધો ભોગ

ચીન દ્વારા અત્યાર સુધી કોરોના વાઇરસના રોગચાળા અંગે વિશ્વને ગેરમાર્ગે દોરવામાં આવતું હોવાની શંકાઓને સાચી ઠેરવતાં ચીની સત્તાવાળાઓએ કોરોના વાઇરસના કારણે થતાં મોત અને તેના દર્દીઓની સંખ્યાની ગણતરીની પદ્ધતિમાં બદલાવ લાવતાં ગુરુવારે ચીનના હુબેઇ પ્રાંતમાં ૨૪૮ લોકોનાં મોત થયાંની માહિતી સામે આવી હતી. તે ઉપરાંત ફક્ત એક જ દિવસમાં ૧૪,૮૪૦ નવા કેસ નોંધાયા હોવાનું ચીની સત્તાવાળાઓએ જણાવ્યું હતું. આ સાથે ચીનમાં કોરોના વાઇરસના કારણે થયેલા મૃત્યુનો કુલ આંક ૧,૩૫૫ પર પહોંચી ગયો છે. 

 

આખા ચીનમાં કોરોના વાઇરસના ૬૦,૦૦૦ જેટલા કેસ નોંધાયા છે. ચીનના નિષ્ણાતોને ભય છે કે આગામી સમયમાં આ રોગચાળો વધુ વિકરાળ બનશે. હુબેઇ પ્રાંતના અધિકારીઓએ જણાવ્યં હતું કે, અમે ક્લિનિકલી ડાયગ્નોસ કરાયેલા લોકોનો પણ હવે COVID-૧૯ કેસમાં સમાવેશ કરી રહ્યા છીએ. તેનો અર્થ એ થયો કે હવે ફક્ત ન્યુક્લિઇક એસિડ ટેસ્ટ પર જ નહી પરંતુ ફેફસાંના ઇમેજિંગના આધારે પણ શંકાસ્પદ કેસોને ગણતરીમાં લેવાશે. ચીને હુબેઇ પ્રાંતમાં પાંચ કરોડ ૬૦ લાખ લોકોને તાળાબંધીમાં જકડી દીધા છે. દરમિયાન ગુરુવારે બેંગકોકથી નવી દિલ્હી આવેલી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં કોરોના વાઇરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો. આ વ્યક્તિને દિલ્હી એરપોર્ટ પર વિમાનના લેન્ડિંગ બાદ આઇસોલેશનમાં રખાયો છે.

 


બ્રિટિશ ક્રુઝ શિપ ડાયમંડ પ્રિન્સેસમાં સવાર ભારતીય સિક્યોરિટી ઓફિસર સોનાલી ઠક્કરને તાવનાં લક્ષણ દેખાયાં બાદ આઇસોલેશનમાં રખાયાં છે. મુંબઇની વતની સોનાલીએ એક ટીવી ચેનલને ફોન પર જણાવ્યું હતું કે અમે ઘણા ભયભીત છીએ કારણ કે શિપમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અમને બચાવી લો. અમે ઘેર પાછા ફરવા માગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર અમને વતન પાછા લઇ જાય અને ત્યાં અમને આઇસોલેશનમાં રાખે.

 

Find Out More:

Related Articles: