![મુંબઈ બાદ હવે ચેન્નઈમાં પણ ન્યૂઝ ચેનલનાં 25 કર્મચારી કોરોના પોઝિટિવ](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/politics/politics_latestnews/after-mumbai-now-in-chennai-25-news-employees-corona-positive374ad339-8c04-478a-82b3-6f283cdd4165-415x250.jpg)
મુંબઈ બાદ હવે ચેન્નઈમાં પણ ન્યૂઝ ચેનલનાં 25 કર્મચારી કોરોના પોઝિટિવ
મુંબઈ બાદ હવે ચેન્નઈમાં પણ ન્યૂઝ ચેનલનાં 25 કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમિલ ન્યૂઝ ચેનલમાં કાર્યરત 25 લોકો કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા છે, જેમાં પત્રકાર, કેમેરાપર્સન અને અન્ય લોકો સામેલ છે.
ઉલ્લેખનીય છે કે આ ન્યૂઝ ચેનલનાં લગભગ 94 લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આના કારણે ચેનલે પોતાનો લાઇવ પ્રોગ્રામ પણ સસ્પેન્ડ કરવો પડ્યો છે. પોઝિટિવ કેસ આવ્યા બાદ અન્ય લોકોને પણ ક્વોરન્ટાઇન કરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારનાં મુંબઈમાં પણ પત્રકારોનાં કોરોનાં વાયરસથી પીડિત હોવાના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. મુંબઈમાં કોરોના વાયરસને લઇને રિપોર્ટિંગ અને કવરેજ કરી રહેલા 53 પત્રકારો કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા.
મુંબઈમાં 170થી વધારે પત્રકારોને કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. મુંબઈ બાદ દિલ્હી સરકારે પણ કાર્યરત અને કવરેજ કરી રહેલા પત્રકારોનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવાની વાત કહી છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર આની જાહેરાત કરી.
ઉલ્લેખનીય છે કે પત્રકાર, ડૉક્ટર, સફાઈ કર્મચારી, પોલીસ કર્મચારી સહિત જરૂરી ક્ષેત્રમાં કાર્યરત ઘણા એવા લોકો છે જે સતત કોરોના વાયરસ સંકટ છતા જમીન પર કામ કરી રહ્યા છે.