આવતી કાલે લોક ડાઉનને લઇ મોદી કરશે દેશને સંબોધન, લોકોની આતુરતાનો અંત!
કોરોના વાયરસનાં કોહરામની વચ્ચે ભારતે 21 દિવસનું લોકડાઉન કર્યું હતુ જે આવતીકાલે 14 તારીખ સુધી હતુ. દેશમાં આ કોરોનાનાં વાયરસનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકોને પ્રશ્ન છે કે શું લોકડાઉન વધારવામાં આવશે કે કેમ? આ તમામ અટકળોની વચ્ચે આવતીકાલે 14 તારીખે પીએમ મોદી સવારે 10 વાગ્યે દેશને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે 21 દિવસનું લોકડાઉન આવતીકાલે પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોનાનાં વધતા કેસોનાં કારણે લોકડાઉન વધારવામાં આવી શકે છે.
દેશમાં અનેક રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા જેવા રાજ્યોએ લોકડાઉન વધારી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે આખા દેશમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે. આ પહેલા પીએમ મોદીએ તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી.
તમને જણાવી દઇએ કે દેશમાં કોરોનાનાં કેસની સંખ્યા વધીને 9152 થઈ ગઈ છે. અત્યાર સુધી 308 લોકોનાં મોત થઈ ચુક્યા છે, જ્યારે 857 લોકો સ્વસ્થ થયા છે. રવિવારનાં મુંબઈમાં કોરોનાનાં 152 નવા કેસ સામે આવ્યા, જ્યારે 24 કલાકમાં 14 લોકોનાં મોત થયા. તો દિલ્હીમાં 24 કલાકમાં 85 નવા કેસ આવ્યા છે અને 5 લોકોનાં મોત થયા છે.