ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું, આ વિસ્તારોમાં વરસાદી માહોલ
ગુજરાતના નાગરિકો કોરોના વાઈરસનો સામનો કરવાની સાથે બદલાયેલ વાતાવરણનો પણ સામનો કરવા પડી રહ્યો છે. હવામાનખાતા દ્વારા ૨૭મી માર્ચ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી જારી કરી હતી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે.
કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો છે. આજે બુધવારના રોજ અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. મોડી સાંજે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો, ચોમાસાની માફક કાળા ડીબાંગ વાદળો ઘેરાવા લાગ્યાં હતાં. જોકે હજુ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં સાથે સાથે ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે.
કોરોના વાઈરસના કેર વચ્ચે એવી પણ વિગતો વહેતી થઈ હતી કે, દેશમાં ઉનાળાની સિઝન આવી રહી હોવાથી આ વાઈરસ ગરમીમાં નાશ થઈ જશે. જેથી ગુજરાત અને દેશના લોકોને આ વખતે પહેલી વાર ઉનાળાના આકરા તાપનો ઈંતેજાર હતો. પરંતુ ઉનાળાની ગરમી પડવાના બદલે છેલ્લા બે દિવસથી ચોમાસા જેવો માહોલ બનતા લોકો ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉત્તર ગુજરાતમાં તેમજ આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.