નરેન્દ્ર મોદી: કોરોના ભગાવવા જનતા કરફ્યુનું દરેક દેશવાસી કરે પાલન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશજોગ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વના સંખ્યાબંધ દેશોમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે, બીમારીના ઉપચાર માટે રસી કે દવા ઉપલબ્ધ નથી ત્યારે ચિંતા થવી આવશ્યક છે. સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. કેટલાક દેશોએ લોકોને આઇસોલેટ કરીને સ્થિતિ સંભાળી છે. ભારતની 130 કરોડની જનતા કોરોના મહામારી એક મોટો પડકાર છે. આ પડકાર ઝીલવો સહેલી વાત નથી અને તેમાં દરેક નાગરિકના સહયોગની જરૂર છે.

 

વડા પ્રધાને જણાવ્યું હતું કે, આગામી પડકારોની આદત પાડવા માટે ૨૨ માર્ચના રવિવારના રોજ દેશની જનતા સવારના 7 કલાકથી રાતના 9 કલાક સુધી જનતા કરફ્યૂનું પાલન કરે. આ ભારતની જનતાની કસોટી છે. ઇમર્જન્સી સેવાઓ સાથે સંકળાયેલા લોકો સિવાય કોઇ નાગરિક ઘરની બહાર ન નીકળે. અત્યંત જરૂરી હોય તેવા કિસ્સામાં જ બહાર જવાનો પ્રયાસ કરે. આ એક દિવસનો જનતા કરફ્યૂ જનતાને દેશ સામે આવી રહેલા આગામી પડકારો માટે તૈયાર કરશે. તે માટે તમામ સંગઠનો લોકોને સંદેશ પહોંચાડે. દરેક નાગરિક 10 વ્યક્તિને ફોન કરીને જનતા કરફ્યૂ માટે તૈયાર કરે. આ કરફ્યૂ ભારત માટે એક કસોટી છે.

 

આ ઉપરાંત 22 માર્ચે જનતા કોરોના મહામારી સામે જંગ લડી રહેલા તમામ લોકોનો આભાર માને. આ માટે આપણે સાંજે પાંચ કલાકે ઘરના દરવાજે, બાલ્કની કે બારી પાસે ઊભા રહી તાળી વગાડી, થાળી વગાડી, ઘંટડી વગાડીને રાષ્ટ્રની સેવામાં જોડાયેલા લોકોનો આભાર માનીએ. વડા પ્રધાને જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને રાજ્ય સરકારો જનતા કરફ્યૂનું પાલન કરાવે. સાંજે પાંચ કલાકે સાયરન વગાડીને લોકોને આભાર માનવા માટે જાગૃત કરે.

Find Out More:

Related Articles: