કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ લાચાર, સરહદો કરાઇ સીલ
કોરોના વાઇરસની સામે વિશ્વની મહાસત્તાઓ લાચાર છે. અમેરિકા, ચીન, ફ્રાન્સ, બ્રિટન સહિત યુરોપના દેશોમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. યુરોપના દેશોએ સરહદો સીલ કરી દીધી છે. યુરોપના દેશોના શહેરોને પ્રતિબંધાત્મક આદેશોમાં જકડી લેવાયા છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ જણાવ્યું હતું કે, મંગળવારથી ૧૫ દિવસ માટે લોકોને ફક્ત ખોરાકની ખરીદી અને નોકરી માટે જ ઘરમાંથી બહાર જવા દેવાશે. લોકોને ઘરોમાં જ રહેવા અને કામ સિવાય બહાર નહીં નીકળવાના આદેશ અપાયા છે. લોકો પોતાના પરિવારો અને મિત્રો સાથે એક જ ઘરમાં પણ મળી શકશે નહીં. આપણે યુદ્ધની સ્થિતિમાં છીએ. જે નવા નિર્દેશોનું ઉલ્લંઘન કરશે તેમને 38થી 135 યુરોનો દંડ ફટકારાશે. લોકડાઉનના અમલ માટે 1 લાખ પોલીસ કર્મીઓ તહેનાત કરાશે.
આ પહેલાં ઇટાલી અને સ્પેન રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં જકડાઇ ચૂક્યા છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને સોમવારે જાહેરાત કરી હતી કે લોકોએ મોટી સંખ્યામાં એકઠા થવાનું ટાળવું જોઇએ, ઘેરથી જ કામ કરે અને ટ્રાવેલિંગથી દૂર રહેવું જોઇએ. જો પરિવારમાં એક વ્યક્તિ પણ બીમાર પડે તો આખા પરિવારે આઇસોલેશનમાં ચાલ્યાં જવું જોઇએ. યુરોપના 27 દેશોએ તેમની સરહદો સીલ કરીને શહેરોમાં પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યાં છે. યુરોપિયન યુનિયનના દેશોએ 30 દિવસના શટડાઉનની ઘોષણા કરી છે. જર્મનીમાં શોપ, બાર, મ્યુઝિયમ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવાના આદેશ અપાયા છે.
અમેરિકામાં નાગરિકોની ગતિવિધિઓ પર લગામ કસવામાં આવી છે. અમેરિકી પ્રમુખે ચેતવણી આપી છે કે કોરોનાની કટોકટી ઓગસ્ટ મહિના સુધી જારી રહી શકે છે. 10 કરતાં વધુ માણસોએ એક સ્થળે એકઠા થવું જોઇએ નહીં. ન્યૂજર્સી અને સાન ફ્રાન્સિસ્કોમાં કરફ્યૂ લાદી દેવાયો છે. કેલિફોર્નિયામાં કરોડો લોકોને ઘરમાં કેદ રહેવાની ફરજ પડી રહી છે. યુરોપના દેશોની જેમ સમગ્ર અમેરિકામાં શાળા-કોલેજો, સરકારી ઇમારતો, થિયેટરો, રેસ્ટોરન્ટ અને બાર બંધ કરાવી દેવાયાં છે.