ચીનમાં કોરોના વાયરસનો કહેર, ફસાયેલ ભારતીયોને આ રીતે લઇ આવશે સરકાર
ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. મૃતકોની સંખ્યા વધીને 106 પર પહોંચી ગઇ છે અને 1300 નવા કેસ ડિટેકટ થયા છે. સ્થિતિની ગંભીરતનો અંદાજ તેના પરથી લગાવી શકો છો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ચીફ ટેડ્રોસ અધૈનોમ ગેબ્રેયસ આનન-ફાનનમાં ચીન પહોંચ્યા છે જ્યાં ખતરાને ઉકેલવા અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. ભારત સરકારે પણ વુહાન શહેરમાં ફસાયેલા 250થી વધુ વિદ્યાર્થીઓને સુરક્ષિત નીકાળવાનો નિર્ણય કર્યો છે. તૈયારીઓ પણ પૂરી થઇ ગઇ છે. હવે બસ માત્ર લીલી ઝંડીની રાહ જોવાય રહી છે. તેને લઇ બંને પક્ષોમાં વાતચીત ચાલી રહી છે.
ચીનમાં કોરોના વાયરસના લીધે ઉભી થયેલી સ્થિતિઓ પર ચર્ચા માટે સોમવારના રોજ કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાની અધ્યક્ષતામાં એક હાઇ લેવલની બેઠક થઇ. બેઠકમાં નિર્ણય કરાયો કે કોરોના વાયરસથી અસરગ્રસ્ત ચીનના વુહાન શહેરમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી સુરક્ષિત નીકાળાશે. અધિકારીઓએ કહ્યું કે વિદેશ મંત્રાલય વુહાનથી ભારતીયોને નીકાળવા માટે ચીનને અનુરોધ કરશે. ચીનમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. સોમવારના રોજ રાજધાની પેઇચિંગમાં આ વાયરસથી પહેલા મોતનો રિપોર્ટ આવ્યો છે.
ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને કેરળના સીએમ પિનરાઇ વિજયને કેન્દ્ર સરકારને વુહાનમાં અભ્યાસ કરતાં પોત-પોતાના રાજ્યોના વિદ્યાર્થીઓને પાછા બોલાવા માટે અનુરોધ કર્યો છે. કોરોના વાયરસથી વુહાન જ સૌથી વધુ પ્રભાવિત થયું છે. વુહાન સિવાય 11 બીજા શહેરોને તેની અસર થઇ છે અને તે સંપૂર્ણપણે સીલ કરી દેવાયા છે જેથી વાયરસ ના ફેલાય. ચીનમાં કોરોની વાયરસમાં સંક્રમણના અત્યાર સુધી 2744થી વધુ કેસની પુષ્ટિ થઇ ચૂકી છે. 81 લોકોના મોત પણ થયા છે. વુહાનમાં અંદાજે 250 થી 300 વિદ્યાર્થીઓ ફસાયાની આશંકા છે.