હિમાચલમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત, 588 રોડ થયા બ્લોક

હિમાચલ પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે બરફવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. બુધવારે 8 જિલ્લામાં 4 ફૂટ સુધીની બરફવર્ષા થઈ હતી અને એના કારણે 588 રોડને બંધ કરી દેવા પડયા છે. રાજ્યમાં 2,436 વીજળી સપ્લાય લાઈનોને અસર થતાં કેટલાય વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. જેના લીધે સ્થાનિક તેમજ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 


વેધશાળાના પ્રવક્તાએ કહ્યું હતું કે શિમલા અને આસપાસના વિસ્તારોમાં આખી રાત બરફવર્ષા થઈ છે અને આ અત્યાર સુધીની સૌથી વધારે બરફવર્ષા છે. સમગ્ર વિસ્તાર ઉપર બરફની ચાદર પથરાઈ ગઈ છે. આના કારણે શિમલા પહોંચેલા ટૂરિસ્ટોને મજાની સાથે મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.  9 અને 10 જાન્યુઆરી પછી મોસમ સાફ થવાની ધારણા છે.

બુધવારે દિલ્હીના કેટલાક વિસ્તારો, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ પડયો હતો. પાકિસ્તાન ઉપર બનેલી સિસ્ટમના કારણે આગામી 24 કલાકમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી છે. દિલ્હીમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ગુરુવારે દિલ્હીમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ જવાની આગાહી છે. 

ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં બુધવારે વરસાદ પડવાથી ઠંડીમાં એકાએક વધારો થયો હતો. લખનઉ, રાયબરેલી, અયોધ્યા, અમેઠી, વારાણસીમાં વરસાદ પડયો હતો. પહાડી વિસ્તારોમાં બરફ પડયો હતો. આ સપ્તાહના અંતમાં ભારે ઠંડીની આગાહી કરાઈ છે. છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક જિલ્લાઓમાં ભારે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે.

Find Out More:

Related Articles: