PM મોદીને જાનથી મારી નાખવાનું કાવતરૂ ઘડાઇ રહ્યું હોવાનું એજન્સીનો દાવો
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હોવાનું ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે. એજન્સી પાસેથી મળેલી માહિતી પ્રમાણે 22મી ડિસેમ્બરને દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપની મહારેલી સમયે આતંકવાદી પ્રધાનમંત્રીને નિશાન બનાવી શકે છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં રહેલા સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) અને દિલ્હી પોલીસને આ અંગે માહિતી આપવામાં આવી છે.
કેન્દ્રીય એજન્સીઓને માહીતી મળી છેકે, જૈશ-એ-મોહમ્મદે ભારતમાં આતંકવાદી મોકલ્યા છે અને તે રામલીલા મેદાનમાં હજારો લોકો વચ્ચે પ્રધાનમંત્રી પર હુમલો કરી શકે છે. આ રેલીમાં NDA સરકાર સાથે જોડાયેલા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને કેબિનેટ પ્રધાનો પણ સામેલ થવાના છે. જેના જીવને પણ જોખમ થઇ શકે છે.
ગુપ્તચર એજન્સીઓએ પ્રધાનમંત્રીની સુરક્ષા માટે ગાઇડલાઈન્સ જારી કરી છે. જેમા જણાવવામાં આવ્યું છેકે 12મી ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવેલો નાગરિકતા સુધારા કાયદો, 9મી નવેમ્બરના રોજ રામ જન્મભૂમિ ચુકાદો અને 5મી ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવ્યા બાદ પ્રધાનમંત્રી પર જોખમ વધી ગયું છે.
આ ઉપરાંત પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના કેમ્પોનો નાશ કરવામાં આવ્યા બાદ મોદી પર આતંકવાદીઓનું જોખમ વધી ગયું છે. આ તમામ બાબતને જોતા તેમના પર હુમલાની શક્યતા નકારી શકાતી નથી. જેને ધ્યાનમાં રાખતા PM માદીની સુરક્ષા વધારી દેવાઇ છે તેમજ રામલીલા મેદાનમા યોજાનાર ભાજપની મહારેલીની સુરક્ષા પણ વધારી દેવાઇ.