મુંબઇમાં મંગળવારે થયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સામાન્ય નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. મોડીરાત્રે વરસાદના કારણે હિંદમાતા વિસ્તારમાં એટલું ઘુંટણ સમા પાણી ભરાયા હતા. અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી બે દિવસ મુંબઇમાં ભારે વરસાદ વરસી શકે છે. આ આગાહીના પગલે મુંબઇ મહાનગરપાલિકાએ કર્મચારીઓને એલર્ટ રહેવા માટે જણાવી દીધું છે. જો કે વધારે વરસાદમાં સૌથી મોટી મુશ્કેલી ખુલ્લા રહેલા મેઇનહોલ્સ ઉભી કરી શકે છે.
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઇની તુલનામાં મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં બુધવાર અને ગુરુવારે વધારે વરસાદની આગાહી છે. મુંબઇના પાસે ચક્રવાતની સ્થિતિ સર્જાઈ રહી છે. જેના કારણે આગામી ક્લાકોમાં ભારે વરસાદ થઇ શકે છે. આવનારા દિવસોમાં હજી વધારે વરસાદ થશે. મહત્વનું છે કે મુંબઇ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદના પગલે સ્થાનિક સરકારે યેલો એલર્ટ જાહેર કર્યું છે.